શ્રી નવકાર છત્રીસી- રચનાકાર – પૂ મુનિ શ્રી વિરાગ સાગરજી

 

અંતર તારને રણઝણાવી નાખનાર

 

 

  

રચનાકાર પૂ મુનિ શ્રી વિરાગ સાગરજી 

 

જેના પ્રચંડ પ્રભાવ થી, વિખરાય વાદળ કર્મના,

ત્રણ લોકના જીવો મળી, કરે હર્ષ ધરીને વર્ણના

જેના સ્મરણથી થાય છે પાપો તણી નિકંદના

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧||

 

જે ચૌદ પૂર્વનો સાર છેને, મંત્રમાં શિરદાર છે

સંસાર સાગરે ડુબતાં, જીવો તણો આધાર છે

સુર-નર-તિરિને નારકીઓ,જેહની કરે ઝંખના

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૨||

 

આદિ નહિ આ મંત્રની,ભૂત ભાવિમાં છે શાશ્વતો

સુખ શાંતિને પામે સદા, શુભ ભાવથી જે સાધતો

ચૌદ રાજના ત્રણ ભુવનનાં સહુ જિવને હરખાવતો

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૩||

 

તીર્થો મહીં શેત્રુંજયો તીર્થાધીરાજ કહેવાય છે

પર્વો મહીં પર્યુષણા પર્વાધી રાજ મનાય છે

તિમ મંત્રોમાં નમસ્કાર જે, મંત્રાધીરાજ ગણાય છે

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૪|| 

 

જે તરણ તારણ સુગતિકારક્ દુઃખ નિવારક મંત્ર છે

સંસાર સાગરે ડુબતી નૈયા-સુકાની મંત્ર છે

દુઃખો તણા દાવાનલે જલ સિંચનારો મંત્ર જે

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૫||

 

મુજ હ્રદયનાં ધબકારમાં, રટણા કરુ હું જેહની

પ્રતિ શ્વાસને ઉચ્છશ્વાસમાં, સ્મરણાં કરુ હું જેહની

મન-વચન કાયાથકી, કરું અર્ચના હું જેહની

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૬|| 

 

જે સૃષ્ટિનો શણગાર છે,ને પૃથ્વીનો આધાર છે

આનંદનો અવતાર છે, પરમાર્થ પારાવાર છે

વળી,સકલ આગમ શાસ્ત્રમાં,મહિમા અનંત અપાર છે

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૭|| 

 

જે કામધેનુ કલ્પતરુ ચિંતામણીથી અધીક છે

જેના શરણમાં આવેલો મુગતી થકી નજદીક છે

વળી, શક્તિ એવી જેહમાં, બંધન હરે સંસારના

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૮||

 

બે ભેદ છે જે મંત્રના, અડસઠ અક્ષર માં સહી

ગુરુ-સાત અક્ષર સ્મરણ કરતા, સાત-નરક પામે નહિ

દર્શન થતાં લઘુ ઇગ્સઠ્ઠી, અક્ષરે મહાશક્તિના,

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૯|| 

 

અરિહંત-સિધ્ધ-આચાર્ય-પાઠક્,શોભતા સાધુ વળી,

દર્શન્-જ્ઞાન-ચારિત્ર-તમને, વંદના કરુ લળી-લળી

જે મંત્રને પામી અમારા, દ્વાર ખુલ્યા ભાગ્યનાં

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૦||

 

અંતર રિપુને હન્ત કરતા,એવા શ્રી અરિહંત છે

શિવ સુંદરીને ભોગતા એવા પ્રભુજી સિધ્ધ છે

સુવિશુધ્ધ એવા દેવ તત્વની જેહમાં છે વર્ણના

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૧||

 

આચાર્ય -ઉપાધ્યાય્-સાધુ, શોભતાં ગુરુ તત્વમાં

સુદેવ -ગુરુને નમન કરતાં પાપ નાશે પલકમાં

સવિ મંગલોમાં શ્રેષ્ઠતમ છે,સ્થાન જેનું આદ્યમાં

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૨||

 

અરિહંતનાં ગુણ બાર છે ને સિધ્ધના ગુણ આઠ છે

આચાર્યના છત્રીશને પાઠકના પચ્ચ વીશ છે

વળી સપ્તવીશ સાધુ તણા, ઇમ કુલ એકસો આઠ છે

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૩||

 

નવ પદ છે રળીયામણા, જે અર્પતા નવ-નિધિને

અને સંપદા છે આઠ જેની અર્પતી બહુ રિધ્ધિને

વળી પંચ છે પરમેષ્ઠિ જેમાં, આપતા બહુ સિધ્ધિને

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૪||

 

અષ્ટા પદ- સિધ્ધાચલ વળી તીર્થ આબુ શોભતું

ઉજ્જિંતશૈલ તીર્થને સમ્મેત શીખર છે ગાજતું

આ પાંચે મુખ્ય તીર્થને, જે મંત્રમાં ખુદને શમાવતુ

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૫||

 

જે દિનથી નવકાર મારા હોઠને હૈયે ચઢ્યો

તે દિનથી મુજ કરમહિ, ચિંતામણી આવી વસ્યો

જેના મિલનનાં સ્પંદને,મુજ આતમા પાવન થયો

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૬||

 

જાણી જગતની રીત જુઠી,પ્રીત કરી મે જેહની

છોડી જગતનીવાતડી મે ઝંખના કરી સ્નેહની

વળી રોગ-શોકને ભય મહિ હું અર્ચના કરું જેહની

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૭||

 

નવકાર જેના હ્રદયમાં, સંસાર તેને શું કરે?

રક્ષક બની સંસારમાં, દુર્ધ્યાન ને દુર્ગુણ કરે

આરાધના જેની કરી શિવસુંદરી સહસા વરે

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૮||

 

અંધારુ ભાળુ ચોતરફ ત્યારે શરણ ગ્રહું જેહનું,

દુ:ખો તથ સંકટ મહિ પણ સ્મરણ કરતો તેહનું

વાત્સલ્યતા મામતાભર્યો. જેને બિરુદ જગ-માતનુ

 ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||19|| 

 

ગુણ ગાવુ છું એ મંત્રના,જે પાપ હરતો જીવનના,

વળી.નમન એને લળી-લળી,જે તાપ હરતો શરીરના

ભાવે ભજું એને સદા, સંતાપ હરતો હ્રદયના

 એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||20|| 

 

જે ધ્યેય છે, જે શ્રેય છે, શ્રધ્ધેય ને વળી ગેય છે

શિરતાજ છે જે ત્રણ લોકનો,ગુણ જેહના અમેય છે

વળી હેય એવા ભવ-વને,જે મંત્ર સાચો ગ્નેય છે

 વા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||21|| 

 

ગત જન્મ ના પુણ્યોદયે, જે મંત્ર મુજ આવી મળ્યો

દિલની ધરા સુકી છતા, આમંત્ર કલ્પતરુ ફળ્યો

ત્રણ કાળમાં, સહુ મંત્રમાં, શિરોમણી જેને કહ્યો

 વા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||22|| 

 

સ્વારથ ભરેલી આ જિંદગીનો, કેવો દુર વ્યવહાર છે

વૈભવ અને સુખ ચેન માં પણ, દુ:ખ પારાવાર છે

સાચો સહારો જીવનનો, બસ એક નવકાર છે

 એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||23|| 

 

વ્હાલેશ્વરો વિશ્વેશ્વરો, પ્રાણેશ્વરો નવકાર છે

જ્વનેશ્વરો સર્વેશ્વરો, દીનેશ્વરો નવકાર છે

મંત્રેશ્વરો સિધ્ધેશ્વરો, ગુણ જેહ ના અપાર છે

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||24|| 

 

ને જે જન્મ મૃત્યુને ટાળતોને, રોગ-શોકને નિવારતો

વળી વિષયના વિષપાસને, પળવારમાં જે કાપતો

ને જીવનમાં મનભાવતાં સુખ સંપદા ને આપતો

 વા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||25||

 

જે રંકને રાજા બનાવતો, રોગીને નિરોગી કરે જે

રાગીને વિરાગી બનાવે, ભોગીને વળી ત્યાગી જે,

પાપીને પાવન જે કરે, આપત્તિને સંપત્તિ કરે જે

 વા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||26|| 

 

જે મંત્રનાં ગુણ વર્ણવા, મા શારદા પાછા પડે

જે મંત્રની શક્તિ થકી, પરમંત્ર સહુ ઝાંખા પડે

આપે વચન જે મંત્ર સહુને, દુર્ગતિ કદિ થાય ના

 એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||27|| 

 

વ્યાધિ સતાવે દેહને, અકળાવે આધિ હ્રદયને

ઉપાધિના તોફાન માં ખોઇ રહ્યો મુજ જીવનને

વ્યાધિ ત્રયીનાં ત્રાસમાં,જે રક્ષતો સહુ જીવને

 વા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||28|| 

 

અગ્ની તણી જ્વાલા થકી, જેણે બચાવ્યો અમરને,

ધરણેન્દ્રનું પદ અર્પીને, સુઉધ્ધાર્યો ફણિધરને

વળી જેહનાં પ્રભાવથી, સમડી બની સુદર્શના

 વા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||29|| 

 

વનરાજનો, ગજરાજનો, ભોરિંગનો, મહામારીનો

તસ્કરતણો, શત્રુ તણો રાજાતણો, બિમારીનો

એકેય ભય શાને સતાવે? છે પ્રભાવ જે મંત્રનો

 એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||30|| 

 

ભૂત-પ્રેત ને પિશાચ કેરા, ભય બધા દુરે ટળે

કોઢાદિ વ્યાધિ વિનાશ પામે, સુખ સહુ આવી મળે

જે મંત્રનાં સ્મરણ થી, ભક્તો તણા વાંછિત ફળે

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||31|| 

 

એક લાખ મંત્રનાં જાપથી, અરિહંતની પદવી મળે,

નવ લાખ મંત્રના જાપથી, નરકો તણા દુ:ખો ગળે

નવ ક્રોડના વળી જાપથી ત્રીજે ભવે મુક્તિ મળે

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||32|| 

 

ઇહલોકન – પરલોકના જે પૂર્ણ કરતો આશને

જીવી રહ્યોછુ ભવ-વને રાખી ઘણા વિશ્વાસને

જેનુ સ્મરણ કરતા થકાં, છોડીશ હું મુજ શ્વાસને

 વા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||33||

 

 

જન્મો જનમના સાથ ને સંગાથ જેનો હું ચહું

મુક્તિ મળે ના જ્યાં લગી, જેનું સ્મરણ પ્રેમે ગ્રહું

પામી સદા સાનિધ્ય જેનું, મન હવે મુંઝાય ના

 વા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||34||

 

 

 

ભક્તિ સ્વરુપી પ્રાર્થના આ, કવચ સમ રક્ષા કરે

ને ભાવથી આરાધતા, ભવો ભવ તણા પાપ હરે

વળી ધ્યાન ધરતા જેહનું, ભવિ જીવના આતમ હરે

 વા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||35|| 

 

મહામંત્ર તુજને શું કહું? ફરિયાદ મુજ સ્વિકારતો

વિનવી રહ્યો છું તુજને વિતરાગ મુજને બનાવતો

જીવો અનંતા ઉધ્ધર્યા,મુજ આત્મા ઉધ્ધારતો

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||36||

 

 

 

 

 

 

@@@@@@

 

 

 

 

જેની પ્રાપ્તી થકી મળે ભાવિકને, પુણ્યૌધની સંપદા

નાઠે દુ:ખ-દરિદ્રતા-ભય સવિ, નાવે કદી આપદા,

એવો સંકટ હાર મંત્ર મળીયો, ચિત્તે કરું સ્થાપના

શ્વાસે શ્વાસ સમરું સદા એ વચને, ભાવે કરું વંદના||1||

 

પંચમ કાલ કરાળમાં પ્રભુ તણુ સાશન મળ્યુ પુણ્ય થી

 પામ્યો ગચ્છ તપો અને સુખ ભયો સાગર સમુદાય થી

શક્તિહીન છતા રચી જે કવિતા મંત્રાધિરાજા તણી

આનંદ સુરિરાજ દેજો સન્મતિ હર્ષ-શિશુને ઘણી||2||

 

 

આ નવકાર છત્રીસીનાં નિયમીત ધ્યાન ધરવાથી

 મન ને અજબ શાંતી મળે છે

તેવા ગુરુવર્યોના આશિર્વાદ છે.

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s